news sine

ભારતમા લોકડાઉન ૩ મે સુધી વધારવાની પીએમ મોદીની જાહેરાત



આજે 21 દિવસના લોકડાઉનનો અંતિમ એટલે કે 14 એપ્રિલનો દિવસ છે. આજે વડાપ્રધાન મોદીએ ફરીથી દેશની જનતાને સંબોધિત કરી હતી અને જણાવ્યું હતું કે કોરોના મહામારી વિરુદ્ધ ભારત તેની લડાઈની મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. દેશવાસીઓની તપસ્યા અને ત્યાગના કારણે ભારત અત્યાર સુધી કોરોનાથી થનાર નુકસાનને ટાળવામાં સફળ રહ્યું છે. લોકોએ કષ્ટ સહન કરી દેશને બચાવ્યો છે.
લોકોને કેટલી તકલીફ થઈ એ વાત ધ્યાનમાં છે, લોકોને ખાવા-પીવા, આવવા જવાની સમસ્યા છે. પરંતુ લોકો દેશ માટે અનુશાસિત સૈનિકની જેમ કર્તવ્ય નિભાવી રહ્યા છે. આ તમામ લોકોને નમન કરું છે. બંધારણમાં જે વાત કહેવામાં આવી છે તે આ જ છે. બાબા સાહેબની જન્મજયંતિ પર ભારતના લોકો તરફથી જે સામુહીક એકતાનું પ્રદર્શન થયું છે તે સાચી શ્રદ્ધાંજલિ છે.
અન્ય દેશની સરખામણીમાં ભારતની સ્થિતિ ખૂબ સારી છે. ભારતમાં કોરોનાનો કેસ ન હતો ત્યારથી એરપોર્ટ પર સ્ક્રીનીંગ અને વિદેશથી આવતા લોકો માટે કોરોન્ટાઈન નક્કી કરવામાં આવ્યો. ભારતએ આ કામ ન કર્યું હતું તો આજે ભારતમાં શું સ્થિતિ હોત તે વિચારીને પણ ભય લાગે છે. પરંતુ હાલ જે સ્થિતિ જોઈ સ્પષ્ટ થઈ ગયું છે કે જે નિર્ણય લેવાયા તે યોગ્ય નિર્ણય હતો.
લોકડાઉનનો મોટો લાભ દેશને મળ્યો છે. જો આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો કીમત મોટી ચુકવી છે. પરંતુ લોકોના જીવનની સરખામણીમાં તેનું મૂલ્ય નથી. ભારત જે રસ્તે ચાલ્યું છે જેની ચર્ચા દુનિયાભરમાં થઈ છે. રાજ્ય સરકારોએ પણ આ કામમાં ઉમદા અને ચોવીસ કલાક કામ કર્યું છે.
પરંતુ આ તમામ પ્રયાસ વચ્ચે પણ કોરોના જે રીતે ફેલાઈ રહ્યો છે તેણે સરકાર અને સ્વાસ્થ્ય નિષ્ણાંતોને વધારે સતર્ક કર્યા છે. ભારતમાં પણ કોરોના વિરુદ્ધ લડાઈ આગળ કેમ વધવું અને નુકસાન ઓછામાં ઓછું કેવી રીતે થાય તે મામલે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી અને તારણ આવ્યું છે કે લોકડાઉનને વધારવામાં આવે.
કેટલાક રાજ્યો પહેલાથી જ લોકડાઉનને વધારી ચુક્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યું છે કે ભારતમાં લોકડાઉનમાં 3 મે સુધી વધારવામાં આવ્યું છે. આગામી દિવસોમાં લોકડાઉનનું કડકાઈથી પાલન થશે જેથી કોરોનાનો વ્યાપ અન્ય જિલ્લા અને વિસ્તારોમાં ન વધે.
આ ઉપરાંત જે વિસ્તારો હોટસ્પોટ છે ત્યાં કેસ નહીં વધે તો 20 એપ્રિલ પછી કેટલીક છૂટછાટ આપવામાં આવશે. આ સમય દરમિયાન મૂલ્યાંકન પણ થશે. જો લોકડાઉનના નિયમો તુટ્યા અને જે મર્યાદિત છૂટનો ઉપયોગ કરવામાં બેદરકારી દાખવવામાં આવશે તો તાત્કાલિત છૂટ પરત લેવામાં આવશે. આ છૂટછાટ એવા લોકો માટે હશે જેમની રોજગારી અટકી છે પરંતુ જો માર્ગદર્શિકાના નિયમોનું ઉલ્લંખન થશે તો છૂટછાટ પરત લેવામાં આવશે.

Comments